એક બગીચામાં એક અત્યંત સુંદર મોર રહેતો હતો. તેના પીંછા લીલા, વાદળી અને સોનેરી રંગોથી ચમકતા હતા. તે જ્યારે પણ પોતાના સુંદર પીંછા ફેલાવીને નાચતો, ત્યારે આખો બગીચો શોભી ઉઠતો. પરંતુ મોરને પોતાની સુંદરતાનું બહુ જ અભિમાન હતું.
તે બગીચાના બીજા બધા જ પક્ષીઓને કદરૂપા કહેતો અને તેમની મજાક ઉડાવતો. એક દિવસ બગીચાના તળાવ કિનારે એક સારસ (Crane) પક્ષી આવ્યું. સારસના પીંછા સફેદ અને સાદા હતા.
મોરે સારસને જોયો અને હસતા હસતા બોલ્યો, “અરે સારસ! તારા પીંછા કેટલા નીરસ અને સાદા છે! તારા શરીરમાં કોઈ રંગ જ નથી. તું જરા મારા પીંછા તો જો, જાણે કોઈ રાજાના કિંમતી વસ્ત્રો હોય!”
સારસે મોરની વાત શાંતિથી સાંભળી. તેણે સ્મિત કર્યું અને પોતાના લાંબા પાંખો ફેલાવીને આકાશ તરફ ઉડાન ભરી. સારસ ખૂબ જ ઊંચે ઉડી ગયો. તે વાદળોની વચ્ચે સફર કરવા લાગ્યો.
આકાશમાંથી સારસે નીચે ઊભેલા મોરને બૂમ પાડીને કહ્યું, “મોરભાઈ! તમારા પીંછા અદ્ભુત અને રંગબેરંગી છે એમાં કોઈ શંકા નથી. પરંતુ તમે આટલા સુંદર પીંછા હોવા છતાં પણ જમીન પર જ ચાલી શકો છો, ઊંચે ઉડી શકતા નથી. જ્યારે મારા આ સાદા પીંછાઓ મને મુક્ત આકાશમાં ઉડવાની શક્તિ આપે છે.”
મોર ખૂબ જ શરમાઈ ગયો. તેને સમજાયું કે બાહ્ય દેખાવ કરતાં વ્યક્તિ કે વસ્તુની ઉપયોગિતા અને ગુણો વધુ મહત્વના છે. તે દિવસથી મોરે ઘમંડ કરવાનું છોડી દીધું.