હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડીને ધગધગતી ચિતા પર બેસી ગઈ. પરંતુ પ્રહલાદ ભગવાનના નામનું સ્મરણ કરતો રહ્યો. ભગવાનની કૃપાથી એવો ચમત્કાર થયો કે પવન આવ્યો અને હોલિકા પરથી ઓઢણી ઉડીને પ્રહલાદ પર આવી ગઈ. હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદ અગ્નિમાંથી હેમખેમ બચી ગયો.
આ ઘટનાની યાદમાં દર વર્ષે હોળી પ્રગટાવવામાં આવે છે, જે અસત્ય પર સત્યના અને બુરાઈ પર અચ્છાઈના વિજયનું પ્રતીક છે. બીજા દિવસે ધૂળેટીના તહેવારે લોકો એકબીજા પર લાલ, પીળા અને ગુલાબી રંગો લગાવીને ભાઈચારો અને પ્રેમ વ્યક્ત કરે છે.