એક તળાવના કિનારે એક મોટું પીપળાનું ઝાડ હતું. આ ઝાડ પર એક સુંદર સફેદ કબૂતર રહેતું હતું. ઝાડની નીચે જમીનમાં એક નાની કીડીનો દર હતો.
એક દિવસ તીવ્ર પવનના કારણે નાની કીડી તળાવના પાણીમાં પડી ગઈ. પાણીના મોજાંમાં કીડી તણાવા લાગી અને તણાઈને ડૂબવા લાગી. ઝાડ પર બેઠેલા દયાળુ કબૂતરે આ જોયું. કબૂતરે તુરંત જ ઝાડ પરથી એક સુકાયેલું પાંદડું તોડીને કીડી પાસે પાણીમાં નાખ્યું.
કીડી હિંમત કરીને પાંદડા પર ચડી ગઈ. પવનના કારણે પાંદડું તળાવના કિનારે આવી ગયું અને કીડીનો જીવ બચી ગયો. કીડીએ કબૂતરનો મનોમન આભાર માન્યો.
થોડા દિવસો પછી જંગલમાં એક શિકારી આવ્યો. શિકારીએ ઝાડ પર બેઠેલા કબૂતર પર નિશાનો તાક્યો. આ જોઈને કીડી ઝડપથી શિકારીના પગ પાસે પહોંચી ગઈ અને તેના પગમાં જોરથી બચકું ભર્યું. શિકારી દર્દથી બૂમ પાડી ઊઠ્યો અને તેનો નિશાનો ચૂકી ગયો. કબૂતર ઉડી ગયું અને તેનો જીવ બચી ગયો.