એક વેપારીનો સંજીવક નામનો બળદ જંગલના રસ્તામાં કાદવમાં ફસાઈ ગયો. વેપારી તેને ત્યાં છોડીને જતો રહ્યો. સંજીવક બળદ ધીમે ધીમે કાદવમાંથી નીકળી જંગલનું લીલું ઘાસ ખાઈને ખૂબ જ તંદુરસ્ત અને મજબૂત બની ગયો. તે આનંદથી ભાંભરતો હતો.
જંગલનો રાજા પિંગળક સિંહ તેની બુલંદ ગર્જના સાંભળીને અજાણ્યા પ્રાણીથી ડરી ગયો. સિંહના બે મંત્રી શિયાળ ધમનક અને કરટક હતા. ધમનકે બળદ પાસે જઈને તેને સિંહનો મિત્ર બનાવી દીધો. સિંહ અને બળદ વચ્ચે અદ્ભુત મિત્રતા થઈ ગઈ અને સિંહે શિકાર કરવાનું પણ ઓછું કરી દીધું.
આ જોઈને લુચ્ચા શિયાળ ધમનકને લાગ્યું કે તેનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. તેણે સિંહના કાનમાં કહ્યું, “મહારાજ! સંજીવક બળદ તમારી ગાદી છીનવવા માગે છે.” પછી તે બળદ પાસે ગયો અને બોલ્યો, “સિંહ તને મારી નાખવાની યોજના બનાવી રહ્યો છે.”
બંને મિત્રો કાનના કાચા નીકળ્યા અને એકબીજા પર અવિશ્વાસ કરવા લાગ્યા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું જેમાં સંજીવક બળદ માર્યો ગયો. પાછળથી સિંહને પસ્તાવો થયો પણ શિયાળ પોતાની યુક્તિમાં સફળ થઈ ગયું.