ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં મંગલ પાંડેનું નામ ખૂબ જ સન્માન અને ગૌરવ સાથે લેવામાં આવે છે. 1857ના બળવા પહેલાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનામાં ભારતીય સૈનિકો સામે 29 માર્ચ 1857ના રોજ બેરકપુર ખાતે બ્રિટિશ અધિકારીઓ સામે બળવો કરીને તેમણે પ્રથમ શહાદત વહોરી હતી.
જન્મ અને સૈન્ય સેવા
મંગલ પાંડેનો જન્મ 19 જુલાઈ 1827ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામમાં થયો હતો. તેઓ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. યુવાનીમાં તેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની 34મી બંગાળ નેટિવ ઇન્ફેન્ટ્રીમાં સૈનિક તરીકે જોડાયા.
એનફિલ્ડ રાઇફલ કારતૂસ વિવાદ અને બેરકપુર ઘટના
નવા એનફિલ્ડ રાઇફલમાં ગાય અને સુવરની ચર્બીવાળા કારતૂસ વાપરવાના આદેશ સામે 29 માર્ચ 1857ના રોજ બેરકપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે મંગલ પાંડેએ હથિયાર ઉઠાવી બ્રિટિશ અફસરો પર ગોળીબાર કર્યો અને અન્ય ભારતીય સૈનિકોને આઝાદી માટે આહ્વાન કર્યું.
ફાંસી અને 1857ની ક્રાંતિની શરુઆત
સૈન્ય અદાલતમાં ખટલો ચલાવ્યા બાદ નક્કી કરેલી તારીખથી 10 દિવસ વહેલા 8 એપ્રિલ 1857ના રોજ બેરકપુરમાં મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી. આ શહાદત બાદ 10 મે 1857ના રોજ મેરઠથી 1857ની સમગ્ર દેશવ્યાપી ક્રાંતિનો વિસ્ફોટ થયો.